Banaskantha: આદ્યશક્તિ મા અંબેની આરાધના માટે તેમજ ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. જગતજનની માતા અંબેના અનેક ભક્તો પદયાત્રીઓ માટે વિવિધ સેવા કરતા હોય છે. પગપાળા પ્રયાણ કરતા પદયાત્રીઓ માટે ઘણા સેવા કેમ્પ પણ કાર્યરત છે, ત્યારે ITIના કર્મચારીઓ દ્વારા એક અનોખો સેવાકેમ્પ યોજવામાં આવે છે.
39 વર્ષથી અવિરત ચાલતો અનોખો સેવા કેમ્પ
ITIના કર્મચારીઓ છેલ્લા 39 વર્ષથી એક સેવાકેમ્પ ચલાવે છે અને લોકોને ચા પીરસવાનું કામ કરે છે. આ ચા પદયાત્રીઓ માટે ટોનિક સમાન છે. અહીંની ચા પીને પદયાત્રીઓમાં થાક વિસરીને નવી તાજગીનો સંચાર થાય છે. મજાની કડક ચા દ્વારા પદયાત્રીઓ રિચાર્જ થઈ જાય છે.
ત્રિશુળીયા ઘાટની નજીક ચાલે છે આ સેવા કેમ્પ
અંબાજીની પદયાત્રામાં સૌથી વધારે અઘરો રસ્તો ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક અનુભવે છે, તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 39 વર્ષથી આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચા નો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષોથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને પદયાત્રીઓને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.
આ પણ વાંચો:
આ ભાઈના સેવાકાર્યને પોલીસે બિરદાવ્યું, વૃદ્ધોએ અને દિવ્યાંગોએ આપ્યા આશીર્વાદ, જાણો એવું તો શું કર્યું?
વર્ષોથી અહીંની ચાનો ટેસ્ટ અકબંધ
અમદાવાદના પદયાત્રી મૂકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી તેઓ ચાલતા અંબાજી આવે છે અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી ITIના સેવા કેમ્પની ચા પીવે છે. અહીંની ચા નો એ જ ટેસ્ટ છે, જરાય બદલાયો નથી આ ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગીનો અનુભવ થાય છે.
1985થી યોજાય છે આ સેવા કેમ્પ
જય અંબે આઇ.ટી.આઇ.સેવા કેમ્પના આયોજક જે. ડી. પટેલે જણાવ્યું હતું કે, 1985માં આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, અત્યારે 39 મું વર્ષ ચાલી રહ્યું છે અને 77 મી પૂનમ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર