firstnews9

અંબાજીમાં પ્રસાદ બંધ કરવા મામલે કોંગ્રેસ વિફરી, કહ્યુ

અંબાજીઃ હિંદુઓના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલે ઉહાપોહ મચી ગયો છે. ભક્તો સહિત ધારાસભ્યો અને હવે તો વિપક્ષે પણ પ્રસાદી બંધ ન કરવા માટે સરકારને રજૂઆત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ભાજપ સરકાર હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો બેરોકટોક વ્યય અને અધિકારીઓની ધાર્મિક પરંપરા તોડતી મનમાની ચાલી રહી છે. અંબાજી મંદિરમાં છ દાયકાથી આસ્થા સ્વરૂપે અપાતો મોહનથાળનો પ્રસાદ અવિચારી નોટબંધીની જેમ અચાનક બંધ થાય તે શ્રદ્ધાળુઓ માટે વજ્રાઘાત સમાન છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં 11 વર્ષમાં મંત્રી – અધિકારી અને તેમના સંબંધીઓની સરભરા માટે 21 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે. બહુચરાજી મંદિરમાં 56 ફૂટ ઉંચા મંદિર બનાવવાના 15 કરોડ ખર્ચ્યા પછી ખબર પડી કે, મંદિર 49 ફૂટ ઉંચુ જ બન્યું છે. સોમનાથ ટ્રસ્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની ખરીદીના સાધનોમાં કૌભાંડ થયું હોવાનો આરોપ મૂક્યો હતો.

અધિકારીઓ મનસ્વી નિર્ણય લેતા હોવાનો આક્ષેપ

કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતમાં અંબાજી મંદિરે લાખો – કરોડો ભક્તોની આસ્થાનું એક પવિત્ર સ્થાન છે. આ મંદિરનો વહિવટ ગુજરાત સરકાર હસ્તક કલેક્ટર બનાસકાંઠા કરી રહ્યાં છે. એ જ પ્રમાણે ગુજરાતના પ્રતિષ્ઠિત જુદા જુદા મંદિરોનો વહિવટ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં વારંવાર ગેરરીતિ, અણવહિવટ અને ધાર્મિક પરંપરા તોડતા અધિકારીઓ પોતાની રીતે મનસ્વી નિર્ણયો લઈ રહ્યાં છે.’

આ પણ વાંચોઃ 
મોહનથાળ બંધ થવા મામલે કલેક્ટરે કહ્યું, ‘સ્ટોક પડ્યો છે’ તો એજન્સી કહે છે કે, ‘એક દિવસ જેટલો જ છે’

સરકારે નાણાબંધી કરી તેમ પ્રસાદ બંધ કર્યોઃ કોંગ્રેસ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અંબાજી મંદિરમાં દોઢ વર્ષ પહેલાં જે મોહનથાળ પ્રસાદનું પેકેટ 10 રૂપિયામાં મળતું હતું તેના પર ક્રમશઃ ભાવવધારો કરી અત્યારે 18 રૂપિયા અને 25 રૂપિયા સુધી કરી નાંખવામાં આવ્યો છે. એટલે કે 150 ટકાનો તોતિંગ ભાવવધારો અને તે પણ મોંઘવારીનું બહાનું કાઢીને વસૂલવામાં આવી રહ્યો છે. આ સાથે છ-આઠ મહિના પહેલાં ચીકીનો પ્રસાદ પણ વેચવાનું ચાલુ કરવામાં આવ્યું છે. એકતરફ વીસ કરોડનો મોહનથાળનો પ્રસાદ વેચાય અને બીજી તરફ એક-દોઢ કરોડનો ચીકીનો પ્રસાદ વેચાતો હતો. ભારતમાં જેમ અવિચારી નોટબંધી અચાનક લાગુ કરવામાં આવી તેમ અવિચારી રીતે છેલ્લા છ દાયકાથી પરંપરાગત અને કરોડો ભક્તોની આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ વેચવાનો બંધ કરી દેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, ચીકી પ્રસાદમાં કમાણી વધુ હોવાથી આ પ્રકારનો અવિચારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં 25 રૂપિયામાં વેચાતો ચીકીનો પ્રસાદ એક બોક્ષમાં આપવામાં આવે છે કે, જેમાં ચાર નંગ ચીકી હોય છે. આવા જ પ્રકારની એક નંગ ચીકી બજારમાં બે રૂપિયામાં અનબ્રાન્ડેડ અને પાંચ રૂપિયામાં બ્રાન્ડેડ કંપનીની વેચવામાં આવે છે કે, જેમાં સમગ્ર ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને જી.એસ.ટી. પણ સામેલ હોય છે તેનાથી એ સમજી શકાય છે કે, મોહનથાળના પ્રસાદ કરતાં ચીકીના પ્રસાદમાં વધારે કમાણી હોય છે. ચીકીના પ્રસાદના ચસકા એ ધન કમાવવાના નુસખા સાબિત થઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.’

News18ગુજરાતી


News18ગુજરાતી

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલા દાનના નાણાં છેલ્લા 11 વર્ષમાં 21 લાખથી વધુ રૂપિયા વી.આઈ.પી. મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ, સંબંધિઓની ખાવા-પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યાં. જેની માહિતી આર.ટી.આઈ. દ્વારા મેળવવામાં આવેલી છે.

અંબાજીના મુખ્યમંદિર સિવાય બીજા 61 મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. 51 શક્તિપીઠ મંદિરનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે ભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજિયાત હોય છે. થાળ તો ઠીક પરંતુ માતાજીની સાડીઓ સહિત શણગાર પણ બદલવામાં નથી આવતો.

આ પણ વાંચોઃ 
અંબાજીમાં ભક્તોમાં ભારે વિરોધ, ‘અમારે મોહનથાળનો પ્રસાદ જ જોઈએ’

લાઇટ એન્ડ સાઉન્ડ શોનો ચાર્જ પણ ઠરાવ વગર વસૂલાય છે

ઉપરોક્ત 61 મંદિરોમાં માત્ર 35 પૂજારી સેવા આપી રહ્યા છે. મુખ્યમંદિરમાં રોજ સરેરાશ 100થી વધારે સાડીઓ ભેટમાં આવે છે. માત્ર વહિવટી કુશળતા હોય તો આજ સાડીઓ બાકીના મંદિરોમાં માતાજીને ચઢાવી શકાય તેમ છે. તે જ પ્રમાણે ગબ્બરમાં લાઈટ અને સાઉન્ડ શો દરમિયાન માતાજીની દિપ આરતી માટે 10 રૂપિયા કોઈપણ જાતના ઠરાવ કે આદેશ વિના ‘શક્તિ સેવા કેન્દ્ર ટ્રસ્ટ’ દ્વારા વસૂલવામાં આવી રહ્યાં છે. આ ટ્રસ્ટને અંબાજીની ઘણીખરી મોકાની જમીનો પણ આપી ફાળવી દેવામાં આવ્યાં છે અને તેમાં પણ એક મોટું કૌભાંડ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. થોડાં સમય પહેલાં અંબાજી મંદિરના પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં માઈક પર બોલાતા શ્લોક ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે એમ કહીને માઈક અને સ્પીકર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેનો પણ ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ પાછીપાની કરવી પડી હતી.

કોંગ્રેસે અનેક આક્ષેપ કર્યા

વધુમાં હેમાંગ રાવલે જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં સોમનાથ ટ્રસ્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની ખરીદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસના આદેશ પી.કે. લહેરીએ આપ્યા હતા. સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને પવિત્ર ત્રિવેણી સંગમ પર પીંડદાન અને અસ્થીવિસર્જન પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેનો સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓની મનમાની ચાલી નહોતી. બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં બહુચરાજી મંદિરમાં 56 ફુટ ઉંચા મંદિર બનાવવાના 15 કરોડ ખર્ચ્યા પછી ખબર પડી કે મંદિર 49 ફુટ ઉંચું જ બન્યું અને અધિકારીઓની તથા સત્તાધીશોની અણઆવડત અને અણસમજ છતી થઈ ગઈ હતી. જેના કારણે મંદિર ઉપર વધુ ત્રણ કરોડનો બોજો આવ્યો હતો. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં અધિકારીઓ સિવાય સામાન્ય જનતાના પ્રતિનિધિઓને ટ્રસ્ટી તરીકે મુકવાની જોગવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં તાલુકા પ્રમુખ અને જે તે વિસ્તારના ધારાસભ્યને પણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે મુકવામાં આવતા હતા જેથી સ્થાનિક પ્રશ્નોનું શાંતિથી નિવારણ થાય. પરંતુ અત્યારે ટ્રસ્ટોમાં આ પ્રમાણેના નિયમોની અનદેખી કરવામાં કરવામાં આવે છે. બહુચરાજી ટ્રસ્ટમાં છ મહિના પહેલા નવા ટ્રસ્ટીઓની સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી અને ચાર જ મહિનામાં તેઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યાં.’

વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી

લાખો – કરોડો ભક્તોની આસ્થા સમાન અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો અવિચારી નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો સ્થાનિકો, વિવિધ પગપાળા મંડળો અને શ્રદ્ધાળુઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન, ધરણાં, પ્રદર્શન અને આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts