ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ.નાયક દ્વારા તા.૧૮/૧૧/૨૦૨૩ ના રોજ સુરત જિલ્લામાં સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર મેદાનોની તપાસ કરી આવા મેદાનોનું સંચાલન સરકાર હસ્તક લેવા તથા સ્પોર્ટ ઓર્થોરીટી બનાવવા તથા સરકારી જમીન ઉપર બનાવેલ ગ્રાઉન્ડ માટે ગામનાં યુવાનોનું એક ટ્રસ્ટ બનાવી ગ્રાંટ ફાળવી રમતગમતને પ્રોત્સાહન આપવા બાબતે સુરત જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરવામાં આવેલ હતી.
મા. કલેક્ટર શ્રી,સુરત દ્વારા ઉપરોક્ત રજુઆત બાબતે તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સુરત જિલ્લાના તમામ મામલતદાર શ્રી ને પત્ર લખી સૂચના આપવામાં આવી.
આવેદન પત્ર માં થયેલ ઉલ્લેખ :
રાજ્ય સરકાર એકતરફ ‘રમશે ગુજરાત, ખેલશે ગુજરાત’ ખેલ મહાકુંભ તથા યોગા સહિતની સરકારી પ્રવૃતિ ના આયોજન થકી ગુજરાતના યુવાનોની પ્રતિભા બહાર આવે અને યુવાનો આગળ વધે એ માટે પ્રયત્નશીલ છે. ત્યારે બીજીતરફ સુરત જિલ્લાના નવ તાલુકાના અનેક ગામોમાં સરકારી જમીન ઉપર કોઈ પણ જાતની મંજૂરી વગર ક્રિકેટ ગ્રાઉન્ડ/મેદાન બનાવી દેવામાં આવેલ છે. સરકારી જમીનની દેખરેખ કરવાની જવાબદારી મામલતદાર અને ગ્રામ પંચાયત ની હોય છે, પરંતુ રમત ગમતના નામે અનેક સરકારી જમીન ઉપર અને કેટલાક ગામોમાં સરકારી ગૌચર જગ્યા ઉપર મંજૂરી વગર ક્રિકેટ ગ્રાઉન્ડ/મેદાન બનાવી દેવામાં આવેલ છે. જે પંચાયતો દ્વારા સરકારી જમીન ઉપર નું દબાણ હટાવવું જોઈએ, તે પંચાયતો પણ આ બાબતે મૌન સેવી ને બેઠી છે. અને આવી રીતે સરકારી જમીન ઉપર કરવામાં આવી રહેલ દબાણ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી, સુરત જિલ્લામાં દિવસે ને દિવસે સરકારી જમીન ઉપર સરકારી દબાણોની સંખ્યા વધતી જ જાય રહી છે. એક બાજુ અનેક શૈક્ષણિક સંસ્થાઓ પાસે સરકારી નિયમો પ્રમાણે ના મેદાનો નથી, જ્યારે બીજી બાજુ રમત ગમતના નામે સરકારી જમીન ઉપર દબાણ કરી આર્થિક લાભો લેવામાં આવી રહ્યા છે.
અગાઉના સમયમાં ક્રિકેટ મેચ રમાતી હતી ત્યારે અલગ-અલગ ગામોની ટીમો રમતી હતી અને કોઈ પણ ભાડું કે ફી વસુલ કરવામાં આવતી ન હતી. પરંતુ આજે સુરત જિલ્લાના ગામે ગામ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી બનાવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધંધાકીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અને એન્ટ્રી કે ગ્રાઉન્ડ ફી તરીકે હજારો રૂપિયા ફી વસુલ કરવામાં આવી રહી છે. જેનાથી ગામની સંસ્થાઓ કે ગામલોકો ને કોઈ ફાયદો થતો નથી તથા અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે આગળ આવી શકતા નથી. સરકારી જમીન પર કબજો કરી ગ્રાઉન્ડ બનાવી અમુક મળતિયાઓ પોતાના લાભ થકી આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી પ્રવૃત્તિ થી કોઈ સમાજ, ગામ કે તાલુકાને ફાયદો થતો નથી પરંતુ રમત ગમતની પ્રવૃત્તિ થકી યુવાનોની લાગણીઓનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે આખી પધ્ધતિઓ ચલાવવામાં આવી રહી છે. સમગ્ર સુરત જિલ્લામાં આવા ગેરકાયદેસર મેદાન બનાવવામાં આવેલ હોય તેની તપાસ થવી જોઈએ. તેનાથી કેટલી આવક થઈ છે તેની પણ તપાસ થવી જોઈએ અને આવી આવકો લોકહિતમાં સરકારી તિજોરીમાં જમા થવી જોઈએ.
સુરત જિલ્લામાં ક્રિકેટ સહિત અન્ય રમતના અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે, યુવાનોને રમત ગમત માટે પ્રોત્સાહન આપવાનું હોય છે, પરંતુ સરકાર દ્વારા રમત ગમતની બાબતમાં સુરત જિલ્લામાં પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી એવું લાગી રહ્યું છે. જો સરકાર દ્વારા યોગ્ય આયોજન કરી આવા પ્રતિભાશાળી ખેલાડીઓ ને પ્રોત્સાહન આપવામાં આવે તો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સરસ પ્રદર્શન કરી શકે તેમ છે. રમત ગમત માટે સરકાર પ્રોત્સાહન આપી રહી હોય તો, સુરત જિલ્લામાં તાલુકા અને જિલ્લાનાં રમત ગમત અધિકારીઓ કેમ આ બાબતે પોતાનું ધ્યાન આપી રહ્યા નથી ? જિલ્લા અને તાલુકાનાં અધિકારીઓ દ્વારા રમત ગમતનાં મેદાન બાબતે કેમ રસ લેવામાં આવી રહ્યો નથી ?
સરકારી જમીન ઉપર બનાવેલ તમામ મેદાન સરકારે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્પોર્ટ ઓર્થોરીટી બનાવી આ સરકારી જમીન ઉપર બનાવેલ તમામ ગ્રાઉન્ડ/મેદાનોનું આયોજન ઓર્થોરીટી હસ્તક લઈ રમત ગમતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગામનાં યુવાનોનું એક ટ્રસ્ટ બનાવી તેમાં સરકારી ગ્રાંટ ફાળવી કે સરકારી લાભો આપી ચોક્કસ નીતિનિયમો બનાવી વિનામૂલ્યે કે નજીવી ફી લઈ દરેક પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવું જોઈએ. તાલુકા અને જિલ્લાનાં રમત ગમત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી આવી રમત ગમતની પ્રવૃત્તિઓને વેગ આપવું જોઈએ તેમજ યુવાનોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુ થી ટુર્નામેન્ટ રમાડવી જોઈએ. જેથી યુવાનોમાં રહેલું ટેલેન્જ બહાર આવી શકશે, સાથે જ સરકાર નો હેતું સિદ્ધ થઇ શકશે અને સરકારી જમીનોનું રક્ષણ પણ થઇ શકશે.